આજની વાર્તા

~: મારું મૃત્યુ :~
રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાતે સૂતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને ?’
હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે ! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે ? મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે…
અરે ! બધાં ક્યાં જતા રહ્યાં ? મારા આ રૂમની બહાર બધા કેમ ભેગાં થયા છે ?’
આટલાં બધા લોકો ? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે.
કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
અરે ! આ શું ? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળે જ છે ? અલ્યાઓ ! હું મૂઓ નથી, જુઓ આ રહ્યો.’
મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું. બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.
મેં મારી જાતને પૂછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું ?
મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મિત્રો – બધાં ક્યાં છે ?’
હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.
‘અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વિના હું શી રીતે વિદાય લઈ શકું ?
મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ? એક વાર તો એને હું કહી દઉં કે, હું તેને અત્યંત ચાહું છું.
અરે ! માબાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો.
મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભૂલો કરી હોત; એમ એમને કહ્યા વિના, હું કઈ રીતે વિદાય લઉં ? એ લોકોને મારી ખરેખર જરૂર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી; એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું શી રીતે મરી શકું ?
જો ને પેલાં ખૂણામાં કોઈક છાના આંસુ સારી રહ્યો છે. અરે ! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત

========================================================================

એક માણસ શાંતિની શોધ માટે ભટકી રહ્યો હતો. એકવાર જંગલમાંથી પસાર થતી વખતે રસ્તામાં આ માણસને ચાર સ્ત્રીઓ મળી. માણસે આ ચારે સ્ત્રીઓને એમનો પરિચય આપવા વિનંતી કરી.
પહેલી સ્ત્રીએ કહ્યુ , ” હું બુધ્ધિ છું અને માણસના મગજમાં રહુ છું.” બીજી સ્ત્રીએ કહ્યુ , ” હું લજ્જા છું અને માણસની આંખમાં રહું છું.” ત્રીજી સ્ત્રીએ પોતાનો પરિચય આપતા કહ્યુ, ” હું હિંમત છું અને માણસના હદયમાં રહું છું.” અને છેલ્લે ચોથી સ્ત્રીએ કહ્યુ, ” ભાઇ હું તંદુરસ્તી છું અને હું માણસના પેટમાં રહું છું.”
આ ચાર સ્ત્રીઓના પરિચય પછી માણસ વિચારવા લાગ્યો કે જો મારી પાસે બુધ્ધિ , લજ્જા , હિંમત અને તંદુરસ્તી હોય તો મને શાંતિ મળવી જોઇએ પણ મને શાંતિ મળતી કેમ નથી ? હજું તો વધુ આગળ જાય એ પહેલા જ માણસને રસ્તામાં ચાર પુરુષો પણ સામા મળ્યા. માણસે આ ચારે પુરુષોને એમનો પરિચય આપવા કહ્યુ.
પહેલા પુરુષે કહ્યુ , ” હું ક્રોધ છું અને માણસના મગજમાં રહુ છું “. બીજા પુરુષે કહ્યુ , ” હું લોભ છું અને માણસની આંખમાં રહું છું.” ત્રીજા પુરુષે કહ્યુ, ” હું ભય છું અને માણસના હદયમાં રહું છું.” અને છેલ્લે ચોથા પુરુષે પોતાની ઓળખાણ આપતા કહ્યુ , ” મિત્ર , હું રોગ છું અને હું માણસના પેટમાં રહું છું.”
માણસે આશ્વર્ય સાથે કહ્યુ, ” તમે બધા જ ખોટુ બોલો છો કારણકે તમે રહેવા માટેના જે ઠેકાણા બતાવ્યા ત્યાં તો બધી સ્ત્રીઓ રહે છે.” પહેલા પુરુષ એટલે કે ક્રોધે માણસને કહ્યુ, ” ભાઇ તારી વાત સાચી છે. પણ અમે જ્યારે આવીએ ત્યારે સ્ત્રીઓ તે ઠેકાણું ખાલી કરીને જતી રહે છે. મગજમાં બુધ્ધિ જ રહે છે પણ હું આવુ એટલે બુધ્ધિ જતી રહે એવી જ રીતે મારા આ ત્રણ મિત્રોના આગમન સાથે જ લજ્જા , હિંમત અને તંદુરસ્તી જતા રહે છે. ”
મિત્રો, સદગુણો તો આપણામાં જન્મજાત જ છે એને કેળવવા કે લાવવાની જરુર જ નથી. પણ જ્યારે દુર્ગુણો આવે છે ત્યારે સદગુણો વિદાય લઇ લે છે અને દુર્ગુણો પોતાનો કબજો જમાવી બેસે છે માટે દુર્ગુણોને આવતા જ અટકાવવા તો સદગુણો જતા બચી જશે.

==========================================================================

એક ખૂબ સરસ અને સાચી લવ સ્ટોરી…!!!
જાપાનમાં બનેલી આ ઘટના છે..
એક વૈજ્ઞાનિક ભાઈ બહારગામ ગયા હતા જે એક વર્ષ પછી ઘરે આવે છે અને એના ઘરની સાફ-સફાઇ કરતા હતા. ત્યારે એની નજર એક દિવાલ પર ગઇ.. એક ગરોળી એક ખીલ્લીમાં ફસાયેલી હતી.. અને એ જીવતી હતી…
એ ભાઇ ને યાદ આવ્યું કે એ ખીલ્લી એક વર્ષ પહેલા લગાવી હતી તો પછી આ ગરોળી એક વર્ષ સુધી જીવતી કેવી રીતે રહી..??
ભાઇ એમનું કામ છોડીને એ ગરોળી સામે બેસી ગયા એ જોવા કે આ ગરોળી જીવતી કેવી રીતે રહી..?
આખો દિવસ નીકળી ગયો સાંજ પડે એક બીજી ગરોળી આવી અને ફસાઇ ગયેલી ગરોળીના મોંમા ખાવાનું મૂકી ગઇ
હવે પેલા ભાઇના મનમાં બીજો સવાલ થયો કે આ ફસાઇ રહેલી ગરાળી નર છે કે માદાં.?
એ ભાઇ બન્ને ગરોળીને લેબ લઇ જઇને ચેક કરે છે તો ખબર પડે છે કે જે ગરોળી ફસાઇ હતી એ નર હતી અને બીજી માંદા,.
એટલે ભાઇને થાય છે જો ફસાયેલી ગરોળી માંદા હોત તો જીવતી ના હોત્..!!
-ખરાબ સમયમાં સ્ત્રી જેટલી પુરુષને મદદ રૂપ થાય છે એટલો કદાય પુરુષ નથી થઇ શકતો….!!!

==========================================================================

ગામડાની એક નાની બજારમાં લુહાર અને સોનીની દુકાનો સામસામે આવેલી હતી. એકવખત લુહાર મોટો ઘણ લઇને લોખંડને ટીપી રહ્યો હતો ત્યારે ઘણ બાજુમાં વાગતા જ લોખંડનો એક નાનો ટુકડો ઉડીને બહાર ગયો અને બરાબર સામે આવેલી સોનીની દુકાનમાં પડ્યો. સોનીની દુકાનમાં રહેલા સોનાના ટુકડાએ જોયુ કે આજે લોખંડનો ટુકડો એમને ત્યાં આવ્યો છે એટલે એણે લોખંડના ટુકડાનું સ્વાગત કર્યુ.

સોનાના ટુકડાએ લોખંડના ટુકડાને ફરિયાદ કરતા કહ્યુ, ” યાર , તમારા કરતા અમારુ મુલ્ય અનેકગણું વધારે છે અને આમ છતા અમે હંમેશા શાંત રહીએ છીએ બહુ અવાજ કરતા નથી ( સોની જ્યારે સોનું ઘડતો હોય ત્યારે કોઇ અવાજ ન થાય અને થાય તો પણ બહુ જ ધીમો ) અને તમે તો રાડા- રાડી કરતા હોવ છો ( લુહાર જ્યારે લોખંડને ટીપતા હોય ત્યારે બહુ જ અવાજ થાય અને અવાજ દુર-દુર સુધી સંભળાય). ખોટો અવાજ ન કરતા હોય તો ?
સોનાના ટુકડાને જવાબ આપતા લોખંડનો ટુકડો બોલ્યો , ” ભાઇ, તું સોનુ છે પણ તને ટીપનાર હથોડી લોખંડની બનેલી હોય છે અને ઘા પણ બહુ જ ધીમા ધીમા મારે છે. જ્યારે હું લોખંડ છુ અને મને ટીપનાર હથોડો પણ લોખંડનો છે અને ઘા પણ એવા મારે છે કે સહન નથી થતા ”
આંખમાં આંસુ સાથે પોતાની પીડા વર્ણવતા લોખંડના ટુકડાએ કહ્યુ ” ભાઇ તને તો પારકા ઘા મારે છે પણ અમને તો અમારા જ ઘા મારે છે. પારકા જે પીડા આપે એ તો સહન થાય કારણ કે પારકાના ઘા થી માત્ર શરિર જ ટીપાય પણ પોતાના જ્યારે પીડા આપે ત્યારે અસહ્ય બની જાય છે કારણ કે પોતાના જ ઘા મારે ત્યારે માત્ર શરિર જ નહી હદય પણ ટીપાય છે એટલે રાડો ના પાડીએ તો બીજુ શું કરીએ ? ”
આપણા પોતાના લોકોના હદય અને લાગણી પર ઘા કરવાનું બંધ કરીએ કારણ કે એનાથી થતી પીડા અસહ્ય હોય છે અને એ પોતાની આ પીડા વિષે કોઇને કહી પણ નથી શકતા.શરિરના ઝખમો જોઇને લોકો ખબર- અંતર પણ પુછે પણ આ હદયના ઝખમો ક્યાં કોઇને દેખાય છે ?

==========================================================================   હું જ કેમ દુખી ? આવું વિચારવા વાળા માટે ખાસ પોસ્ટ !
===============================
બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એકસમાન હોદા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતા એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુ:ખી રહેતો.
એકવખત બંને મિત્રો બહાર ફરવા માટે ગયા ત્યારે દુ:ખી મિત્રએ કહ્યુ , ” યાર , આપણા બંનેની પાસે બધુ જ સરખુ છે તો આપણને આનંદ પણ સમાન મળવો જોઇએ છતા પણ એવું કેમ થાય છે કે તું આનંદમાં હોય છે અને હું સતત તનાવમાં જીવું છું. ? મારા જીવનમાં આવે છે એવી કોઇ સમસ્યા કે દુ:ખ શું તારા જીવનમાં આવતા જ નથી ? ”
બીજા મિત્રએ કહ્યુ , ” ભાઇ , પ્રશ્નો અને સમસ્યાઓ તો મારા જીવનમાં પણ એટલી જ છે જેટલી તારા જીવનમાં છે. આપણે કાયમ સાથે જ હોઇએ છીએ અને તને મારા જીવનની સમસ્યાઓનો ખ્યાલ પણ છે. ” દુ:ખી રહેતા મિત્રએ કહ્યુ , ” તારી વાત બીલકુલ સાચી છે. તો પછી તારી પાસે એવુ શું છે કે તું આ સમસ્યાઓની વચ્ચે પણ આનંદપૂર્ણ જીવન જીવી શકે છે ? ”
પોતાના મિત્રના ખભા પર હાથ મુકીને જવાબ આપતા બીજા મિત્રએ કહ્યુ , ” અરે મારા વ્હાલા દોસ્ત, તારી અને મારી વચ્ચે માત્ર એટલો જ ફેર છે કે જીવનમાં આવતા દુ:ખોને કારણે હું માત્ર એક જ વાર દુ:ખી થાવ છું. અને તું એક જ દુ:ખ માટે ત્રણવાર દુ:ખી થાય છે. 1. દુ:ખ કે સમસ્યા આવવાની હોય ત્યારે એના સતત વિચારો કરીને 2. દુ:ખ કે સમસ્યા ખરેખર જીવનમાં આવે ત્યારે અને 3. દુ:ખ કે સમસ્યા જતા રહે ત્યારબાદ એને વારંવાર યાદ કરીને. જીવનમાં આવતી સમસ્યાથી મને એક વખત તકલીફ પડે છે અને તને ત્રણવાર તકલીફ પડે છે”
મિત્રો , આપણે બધા પણ એક જ સમસ્યા માટે ત્રણવાર દુ:ખી થનારા માણસો છીએ. ભવિષ્ય માટે સજાગ જરુર બનીએ પણ હજુ જે બન્યુ જ નથી એની ચિંતા કરીને વર્તમાનને બરબાદ ન કરીએ અને ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી બોધપાઠ લઇને આગળ વધીએ.

==========================================================================પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્વ શું છે !
ઘણા વખત પહેલાંની વાત છે.એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાનાં ઘર બનાવીને રહેતાં હતાં. સુંદરતા, આનંદ, ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ બાજુમાં રહેતાં હતાં.એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમાં પ્રેમ રહેતો હતો.એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યું કે તે દિવસે સાંજસુધીમાં ટાપુ ડૂબી જશે. દરિયાને તળિયે બેસી જશે.
બધી જ લાગણીઓ તેમ જ ગુણોએ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથ…ી પ્રયાણ શરૂ કરી દીધું. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો.જાણે એને જવાની કોઈ જ ઉતાવળ ન હોય એમ એ ફરતો હતો. બધાંને નવાઈ લાગી. પણ સૌ પોતપોતાની રીતે ભાગવાની પેરવીમાં હતાં. એટલે પ્રેમની પંચાત કરવા કોણ બેસે ? હકીકતમાં પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વહાલ હતું. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માંગતો હતો…
જેમ જેમ સાંજ પડવા લાગી તેમ તેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડૂબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ જ વહાલ કર્યું. એનીજમીનના કણે કણને એણે વહાલથી નવડાવી દીધો. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. હવે પાણી વધવા લાગ્યું. જ્યારે પ્રેમના ઘૂંટણ પાણીમાં ડૂબવા લાગ્યા ત્યારે એને થયું કે હવે ટાપુ છોડીને જવાનો સમય આવી ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ પાડવીતો કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાંથી સમૃદ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યું કે, ‘બહેન સમૃદ્ધિ !તું મને તારી હોડીમાં જોડે લઈ જઈશ ? નહીંતર હમણાં જ હું ડૂબી જઈશ….’
સમૃદ્ધિએ પોતાની હોડીમાં એક નજર નાખીને કહ્યું કે, ‘માફ કરજો પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાઝવેરાતથી ભરેલી છે. એમાં તારા માટે ક્યાંય જગ્યા જ નથી !’ આટલું કહીને પ્રેમ તરફ બીજી નજર પણ નાખ્યા વિના સમૃદ્ધિ ચાલી ગઈ.એની પાછળ પાછળ હોડી લઈને આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી, ‘હે સુંદરતા ! તું મને તારી હોડીમાં લઈ જઈશ ?’ પોતાની જાત પર અને પોતાની હોડી પર મગરૂર એવી સુંદરતાએ કહ્યું, ‘માફ કરજે પ્રેમ ! તું એટલો ભીનો છે કે મારી આ સુંદર હોડીને બગાડી નાખીશ. આમેય મને બધું સુંદર ચોખ્ખું જ ગમે છે તે તું પણ જાણે જ છે!!
મને આ રીતે મારી જાતને કે હોડીને ભીની કરવામાં જરા પણ રસ નથી !’ અને એ પણ આગળ ચાલી ગઈ. પાણી હવે કેડ સમાણું થઈ ગયું હતું. ત્યાં જ પ્રેમે ઉદાસીનતાની હોડીને પસાર થતી જોઈ.પ્રેમે બૂમ પાડી કે, ‘અરે ! ઉદાસીનતા, મને તારી જોડે લઈ લે. મહેરબાની કરીને મને બચાવી લે.’ પણ ઉદાસીનતા તો જડસુ હતી. એ કહે, ‘માફી માગું છું તારી ઓ પ્રેમ ! હું એટલી બધી ઉદાસ છું કે તું મને એકલી જ રહેવા દે !’ એ પણ જતી રહી.
ત્યાંથી પસાર થઈ રહેલ આનંદ તો નાચગાનમાં એવો મશગૂલ હતો કે એણે પ્રેમને જોયો પણ નહીં અને એનો અવાજ પણ ન સાંભળ્યો !! પાણી ગળા સુધી આવી ગયું હતું. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસકો પડી ગયો. એ જોરથી રડવા માંડ્યો.ત્યાં જ એક ખૂબ જપ્રેમાળ અવાજ આવ્યો : ‘પ્રેમ ! રડ નહીં. ચાલ હું તને મારી હોડીમાં લઈ જાઉં !’પ્રેમે પાછળ જોયું તો એક ખખડધજ વૃદ્ધમાણસ પોતાની હોડી લઈને ઊભો હતો.
એણે પ્રેમનો હાથ પકડીને એને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ એ વખતે બરાબર ડૂબવાની તૈયારીમાં જ હતો. અચાનક ઊગરી જવાથી પ્રેમ થોડી વાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી જ ન શક્યો. પેલા વૃદ્ધે તેને કિનારે ઉતાર્યો તોપણ એ કંઈ જ ન બોલ્યો.બસ મૂંગા મૂંગા પેલા વૃદ્ધનો તેણે આભાર માન્યો. પેલો વૃદ્ધ માણસ તો પ્રેમને ઉતારીને પોતાના રસ્તે આગળ ચાલી ગયો.
અચાનક પ્રેમને યાદ આવ્યું કે ડૂબી જવાની બીકમાં અને બચી જવાની ખુશીમાં પોતે પોતાને બચાવનાર વૃદ્ધનું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો ! આટલો નાનકડોશિષ્ટાચાર પણ પોતે ન દાખવી શક્યો એનોએને પારાવાર અફસોસ થવા લાગ્યો. એ દોડતો દોડતો જ્ઞાનના ઘરે ગયો. બારણું ખખડાવ્યું. જ્ઞાન બહાર આવ્યું. પ્રેમે એને બધી વાત કરી. પછી એ વૃદ્ધ માણસ કોણ હોઈ શકે તે પૂછ્યું. જ્ઞાને પોતાની આંખો બંધ કરી.
થોડી વારે આંખ ખોલીને જ્ઞાને કહ્યું, ‘તને બચાવનાર સમય હતો !’પ્રેમને નવાઈ લાગી. એનાથી પુછાઈ ગયું કે, ‘હે જ્ઞાન ! જ્યારે કોઈ કરતાં કોઈ જ મને મદદ કરવા તૈયાર નહોતું ત્યારે ફક્ત સમયે જ મને શા માટે મદદ કરી ?’ જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો : ‘કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્વ શું છે !’

==========================================================================

એકદમ હૃદયસ્પર્શી લવ સ્ટોરી – “સાચો પ્રેમ”
શરૂઆતથી જ આહનાના ફેમીલીવાળા આલોક માટે ના જ પાડતા હતા… તેઓનું કહેવું હતું કે આલોક સાથે લગ્ન કરીને આહના આખી જીંદગી હેરાન જ થશે.
અને આ ફેમિલીના પ્રેશરના કારણે એ કપલમાં હમેશા ઝઘડો થયા કરતો હતો. જોકે આહના આલોકને ખુબજ પ્રેમ કરતી હતી છતાં આહના પૂછ્યા કરતી હતી કે આલોક તું મને કેટલો પ્રેમ કરે છે ?
આલોક થોડો શરમાળ અને ઓછાબોલો હતો આથી તે તેની ફીલિંગ્સ ને શબ્દોમાં વર્ણવી નહોતો શકતો. અને આજ કારણે આહના હમેશા અપસેટ રહેતી હતી. આ બધું લઈને અને ફેમીલીના પ્રેશર ને કારણે આહના તેનો બધો ગુસ્સો આલોક પર ઠાલવી દેતી હતી. અને આની સામે આલોક ફક્ત મૂંગા મોએ બધું સહન કર્યે જતો હતો.
થોડા વર્ષોમાં આલોકનું ગ્રેજ્યુએશન પૂરું થયું અને તેણે વિદેશમાં માસ્ટર ડીગ્રી કરવા જવાનું વિચાર્યું. જતા પહેલા આલોકે આહનાને પ્રપોઝ કર્યું અને કહ્યું: મને મારી ફીલિંગ્સ ને વર્ણવતા નથી આવડતું, છતાં હું ફક્ત એટલું જાણું છું કે હું તને ખુબજ ચાહું છું, “યસ, આઈ લવ યુ” અને જો તું મને પરમીશન આપે તો હું તારી સાથે લગ્ન કરીશ અને આખી જીંદગી તારી સંભાળ રાખીશ અને તને ખુબજ પ્રેમ આપીશ. સવાલ રહ્યો તારા ફેમીલી નો, હું મારાથી બનતી ટ્રાય કરીશ અને તેઓને મનાવી લઈશ, શું તું મારી સાથે લગ્ન કરીશ?
આહના તેની વાત સાથે સહમત થઇ ને લગ્ન માટે તૈયાર થઇ ગઈ. આલોકના અડગ નિર્ધાર સામે આખરે આહનાના ફેમીલી વાળા પણ માની ગયા અને આલોકના વિદેશ જવાના પહેલા બંને ના એન્ગેજમેન્ટ થઇ ગયા.
આહના એક કોમ્પ્યુટર ફર્મ માં જોબ કરવા લાગી અને આલોક વિદેશ માં તેના સ્ટડી માં ધ્યાન આપવા લાગ્યો. અને તેઓનો પ્રેમ તેમના ઈમેઈલ અને ફોન કોલ્સ માં છલકાતો રહેતો.
એક દિવસ આહના તેની જોબ માટે જતી હતી ત્યાં રસ્તામાં અચાનક એક ફૂલ સ્પીડે જઈ રહેલી કાર સાથે અથડાઈ !!! જયારે આહનાએ તેની આખો ખોલી ત્યારે તે હોસ્પિટલની પથારી માં સુતી હતી. અને ત્યારે તેને સમજાયું કે તેને ઘણું વાગ્યું હતું. આહનાએ જોયું કે તેના મમ્મી તેની સામે હતા, આહના તેની મમ્મીને રડતી અટકાવવા અને છાની રાખવા ગયી ત્યારે તેના ગાળા માંથી બીજું કઈ નહિ પણ માત્ર નિરાશા જ નીકળી… અને આહનાને સમજાયું કે તેનો અવાજ ખોઈ બેઠી હતી !
ડોકટરોનું કહેવું હતું કે તેના માથામાં ઘણું વાગ્યું હતું અને તેના કારણે આહના તેનો અવાજ ખોઈ બેઠી છે. છોકરીના માતાપિતાના આશ્વાસન ના જવાબ રૂપે આહનાએ ઘણો બોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેના ગળામાંથી એક પણ શબ્દ બહાર ના નીકળ્યો અને તે ભાંગી પડી.
હોસ્પિટલમાં થી આહનાને રાજા મળી અને તે ઘરે આવી છતાં હજુ તેની પાસે સાયલેન્ટલી રડવા સિવાય બીજો કોઈ ઓપ્શન ન હતો. તેના માટે તો આખી દુનિયા જાણે મૂંગી બની ગયી હતી સિવાય કે ફોન ની રીંગ જે હમેશા તેના આવાજ સંભાળવા માટે રણક્યા કરતી હતી. અને તે ટેલીફોન રીંગ આહના ના હૃદય માં તલવારની જેમ ભોકાતી હતી કારણકે આહના આલોકને આ વાત ની જાણ કરી તેને દુ:ખી કરવા નહોતી ઇચ્છતી. અને તેના પર ભારરૂપ થવા પણ નહોતી ઇચ્છતી.
એક દિવસે આહનાએ આલોકને એક પત્ર લખ્યો કે તે હવે લાંબો સમય રાહ જોવા નથી ઇચ્છતી અને સાથે જ તેની એન્ગેજમેન્ટ રીંગ પણ પાછી મોકલી દીધી. તેના જવાબ માં આલોકે અસંખ્ય પત્રો, ઈમેઈલ, અને ફોન કોલ્સ કર્યાં પરંતુ આહના માત્ર રડવા સિવાય કશું જ ના કરી શકી.
આહનાના માતા-પિતા એ ક્યાંક દુરના સ્થળે જતા રહેવાનું વિચાર્યું કે જેથી આહના ત્યાં બધું જ ભૂલી જાય અને નવા જીવનની શરૂઆત કરે.
નવી જગ્યાએ આહના એ સાઈન લેન્ગવેજ શીખવાનું શરુ કરી દીધું અને તેની જાતને હંમેશા આશ્વાસન આપતી રહેતી કે તેને હવે આલોકને ભૂલી જવાનો છે અને આહનાએ નવી લાઈફ ને સમજવાનું શરુ કરી દીધું. એક દિવસે આહના ની એક ફ્રેન્ડ તેને મળવા આવી અને કહ્યું કે આલોક પાછો આવી ગયો છે. અને આહનાએ તેની ફ્રેન્ડને કહ્યું કે તે આલોકને મારી સાથે શું બન્યું તે કશું જ ના કહે. અને ત્યાર બાદ આલોક તરફથી ઘણા સમય સુધી કોઈ જ સમાચાર ના આવ્યા.
એક વર્ષ પસાર થઇ ગયું. એક દિવસ આહના ની ફ્રેન્ડ એક બંધ કવર લઇ ને આવી, આહના એ કવર જોયું તો તેમાં આલોકના લગ્ન ની કંકોત્રી હતી અને અને ઇન્વીટેશન કાર્ડ હતું. આહના આવક થઇ ગઈ અને તેને ચક્કર આવવા લાગ્યા છતાં તેને કંકોત્રી ખોલી અને જોયું તો તેમાં તેનું જ નામ હતું !
આહના ને કઈ સમજાયું નહિ આથી તેણીએ તેની ફ્રેન્ડ ને પૂછવા ગઈ ત્યાં સામે જ આલોક ઉભો હતો. અને આલોકે સાઈન લેન્ગવેજ માં આહનાને કહ્યું કે તે એક વર્ષ સુધી સાઈન લેન્ગવેજ શીખવા ગયો હતો કારણકે તેને કહેવું હતું કે હજુ તેનું પ્રોમિસ ભૂલી નથી ગયો. અને મને ચાન્સ આપ કે જેથી હું તારો અવાજ બની શકું. આઈ લવ યુ… અને તેની સાથે જ આલોકે એન્ગેજમેન્ટ રીંગ ફરી આહનાની આંગળીમાં પહેરાવી દીધી. અને ઘણા સમય પછી આહનાના ચહેરા પર ફરી સ્માઈલ જોવા મળી કે જે હવે ક્યારેય અટકવાની ના હતી.

==========================================================================

ખુબ જ હૃદયસ્પર્શી લવ સ્ટોરી :
“બસ તારી જ જરૂરત”
રૂપ રૂપના અંબાર સમી અને નામની જેમ જ જોનાર ના હ્રદયમાં પ્રસરી જાય એવી એકવીસ વરસની ધ્વનિ તેની બહેનપણી મહેક સાથે પાંજરાપોળની જોડે આવેલી પાસપોર્ટ ઑફિસે બેઠા બેઠા ઈન્ટરવ્યૂ માટે પોતાનો વારો આવે એની રાહ જોઇ રહી હતી.
વાત જાણે એમ હતી કે કોલેજમાં જેમણે ત્રીજા અને અંતિમ વરસમાં સારું પ્રદર્શન કર્યું હોય તેમને સરકાર તરફથી ઈન્ટરવ્યૂ માટે બોલાવવાના હતાં અને એમાંથી કોઈ એક વિદ્યાર્થિને વિદેશ મોકલવામાં આવશે એમ નક્કી થયું હતું. આથી જ કોલેજના અન્ય પ્રભાવશાળી વિદ્યાર્થિઓની જેમ તે લોકો પણ રાહ જોઇ રહ્યા હતાં. એટલામાં મહેકની નજર દરવાજા પર પડી. એણે જોયું કે સામેથી અરમાન આવીરહ્યો છે. તેણે કોણી મારીને ધ્વનિને કહ્યું, ‘જો તો ખરી તારો આશિક આવી રહ્યો છે…..’ આમ કહીને એ હસવા લાગી. ધ્વનિ, મહેક અને અરમાન પહેલા ધોરણથી કોલેજ સુધી સાથે ભણેલાં અને મહેક જાણતી હતી કે અરમાન ધ્વનિ માટે લાગણી ધરાવે છે પરંતુ ધ્વનિ તેની સતત અવગણના કર્યા કરે છે.
અરમાનને જોતાં જ ધ્વનિનું મોં ફાટેલા દૂધ જેવું થઈ ગયું. મહેક સામે જોઇને તેણે કહ્યું ‘ચાલ ઘરે…મને નથી લાગતું કે હું સિલેક્ટ થઈશ. કેમ કે તું અને હું, આપણે બંને જાણી છીએ કે અરમાન આપણા બધા કરતાં હોશિયાર અને બુદ્ધિશાળી છે. એટલે એ તો નક્કી જ છે કે અરમાન જ સિલેક્ટ થવાનો છે. તો પછી અહીંયા ગરમીમાં બેસી રહીએ એના કરતાં ઘરે જ જતા રહીએ. અહીં સમય બગાડવો નથી….’
‘આ શુ બોલે છે તું ? તારા માર્ક્સ, ગ્રેડ સૌથી સારા છે, તારી જોડે ઘણા બધા પ્રમાણપત્ર પણ છે અને તું બધી સ્પર્ધામાં અરમાન કરતા આગળ જ છે, તો શું કરવા ડરે છે ?’ મહેક આશ્વર્ય સાથે બોલી.
‘તને ખબર નથી, પણ મને ખબર છે કે મારે કેમ એના કરતાં વધારે માર્ક્સ આવે છે. કેમ કે દરેક પરીક્ષામાં એનો નંબર મારી બાજુમાં જ આવતો. એટલે હુ જે પણ કાંઈ મને ન આવડે તે એનામાંથી જોઇને લખતી અને એને બધું આવડતું તે છતાં એ ન જાણે કેમ મારા થી એક પ્રશ્ન ઓછો જ લખતો. એવી જ રીતે કોઇ પણ સ્પર્ધામાં અમે બંને ફાઇનલમાં આવીએ તો એ છેલ્લી ઘડીએ હારી જતો અને એટલે જ તો મને આટલાં પ્રમાણપત્ર મળ્યા છે. હકીકત તો એ જ છે કે મારા બધા માર્ક્સ, પ્રમાણપત્ર એને જ કારણે છે અને આમેય એના વિચારો અને જ્ઞાનને વિક્સાવવા માટે એનું વિદેશ જવું જરૂરી છે. એટલે આજે તો એ મને જીતવા નહીં જ દે. એટલે જ તો કહું છું કે ચાલ ઘરે જઈએ.’
આ સાંભળી રહેલી આશ્વર્યચકિત થયેલી મહેક બોલી, ‘વાહ રે, મુમ્તાઝ.. તેં તો સલીમની હકીકત ઉઘાડી જ નહોતી પાડી કેમ !? પણ તને શું વાંધો છે ? આજે તું પ્રયત્ન તો કર. આપણને બાળપણમાં શિખવાડવામાં આવ્યુ છે કે ‘લહેરો સે ડરકર નૈયા પાર નહી હોતી, ઓર કોશીશ કરને વાલો કી હાર નહી હોતી ” આજે તું પ્રયત્ન તો કર, આ વખતે નહિ તો આવતી વખતે તારું સિલેક્શન થઈ જ જશે….’ એટલામાં ઓફીસમાંથી નોકર આવીને બોલ્યો, ‘ધ્વનિ પટેલ, ટોકન નંબર તેરને ઈન્ટરવ્યૂ માટે બોલવવામાં આવે છે અને ત્યાર પછીના નંબર તૈયાર રહેજો.’ આ જ રીતે બધા ઉમેદવારના ઈન્ટરવ્યૂ એક પછી એક એમ પુરા થઈ ગયા અને સુચના મળી કે ‘પસંદગી પામેલા ઉમેદવારનું નામ બે દિવસ પછી જાહેર કરવામાં આવશે.’
* * * * *
બે દિવસ પછી પાછા ધ્વનિ અને મહેક બંને પાસપોર્ટ ઓફિસે પહોચ્યાં. જેવા તેઓ અંદર દાખલ થયાં કે સામે જ અરમાન મળ્યો :
‘કેમ છો, ધ્વનિ અને મહેક ?’
‘મજામાં….’ મહેક બોલી ‘શુ અરમાન, તું સિલેક્ટ થઈ ગયો ?’
‘ના, પણ ધ્વનિ થઈ ગઈ છે.’
આ સાંભળાતા જ ધ્વનિ ઝૂમી ઉઠી અને બંને પોતાનું નામ લિસ્ટમાં જોવા માટે દોડયા. નામ જોઈને પાસપોર્ટ ઓફિસરને મળવા ગયા પણ તેઓ હાજર હતાં નહીં એટલે નોકરે એમને બેસવા કહ્યું. એ બંને માટે પાણી લેવા ગયો. થોડીવારમાં તે પાણી લઈને આવ્યો. પાણી પીતા પીતા મહેક બોલી :
‘જોયું ને હું કહેતી’તી ને કે તારો નંબર લાગી જ જશે અને હા અભિનંદન, કેમ કે આજે તેં પ્રથમવાર પોતાના દમ પર કંઇક મેળવ્યું છે.’
‘તારી વાત સો ટકા સાચી છે, ખરેખર આ પાસપોર્ટ માટે હું જ યોગ્ય ઉમેદવાર છુ… હાશ !…હવે તો પાસપોર્ટ મળે એટલી જ વાર છે, પછીના મહીનામાં તો હું અમેરિકા ઊડી જઈશ. પણ સાચુ કહું તો મને એમ લાગ્યું’તું કે અરમાન જ સિલેક્ટ થયો હશે, મને તો દયા આવે છે બિચારા પર કેટલો હોશિયાર છે છતાં પણ સિલેકટ ના થયો.’
‘તો તો આ વાત પર પાર્ટી થઈ જાય, અને હા પેલા અરમાનને પણ બોલાવજે.’ મહેક બોલી. બંને હસવા લાગ્યા.
આ વાતચીત સાંભળી રહેલો નોકર બોલ્યો,
‘માફ કરશો બહેન, પણ એક સવાલ પૂછું ? શું તમે હમણાં જે છોકરો બહાર ગયો એની વાત કરો છો ?’
‘હા, જે હમણાં પરીણામ જોવા આવ્યો હતો એ…. લાલ પેન્ટ, બ્લેક શર્ટ માં !’ મહેક બોલી.
‘હું તો એને જાણતો નથી પણ એક વાત કહું તમને ? તમે એમ માનો છો કે તમે સિલેક્ટ થયા છો એમાં તમારી હોંશિયારી છે, તો તમે ખોટા છો. કેમ કે ખરેખર તો મેરિટમાં પ્રથમ નંબર એનો હતો પણ એણે જોયું કે બીજો નંબર તમારો છે તો એણે એનો સિલેક્શન લેટર ફાડી નાખ્યો અને મોટા સાહેબને વિનંતી કરી કે એના સ્થાને તમારું સિલેક્શન કરવામાં આવે. મોટા સાહેબે આમ કરવાનું કારણ પુછ્યું તો કહેતો તો કે તમારી ખુશી વિદેશ જવામાં રહેલી છે, એટલે તમારી ખુશી ખાતર એ એનું સિલેક્શન રદ કરાવે છે…. પણ મને એ ખબર નથી પડતી કે કોઇ આવી સુવર્ણ તક કોઇ બીજા માટે કેમ છોડી દે છે ?’
આ સાંભળાતા જ ધ્વનિ અને મહેકની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ, એટલામાં ધ્વનિ પોતાની જગ્યા પરથી ઉભી થઇ ગઇ અને બહાર ભાગવા લાગી, એની પાછળ પાછળ મહેક પણ દોડી, ધ્વનિ બહાર આવી અને અરમાનને શોધવા લાગી. તે રીક્ષાની રાહ જોઈને ઉભેલા અરમાન પાસે ગઈ અને જેવો તે ધ્વનિ સામે જુએ તે પહેલા જ ધ્વનિએ એને જોરદાર ખેંચીને તમાચો મારી દીધો. અરમાન સહીત આજુબાજુવાળા લોકો સ્તબ્ધ થઇ ગયા. છતાંય અરમાને તમાચો મારવાનું કારણ ન પૂછ્યું, બસ નીચું મોં કરીને ઊભો જ રહ્યો પરંતુ ધ્વનિ બોલી :
‘કેમ તું મારા વિશે લોકોને ખોટું ખોટું કહે છે ? તું તારી જાતને સ્માર્ટ સમજે છે કે ખોટું બોલીને તું છટકી જઇશ ? તને કોણે કહ્યું કે હું વિદેશ જઈશ તો ખુશ હોઇશ. તું ખોટુ બોલે છે, તું જુઠ્ઠો છે. અત્યાર સુધી તે મારી ઘણી મદદ કરી છે ને તો ચાલ આજે એનો હિસાબ કરી જ લઈએ, પણ એક શરત છે હું જે પણ કાંઇ આપુ તે તારે સ્વીકારી જ લેવું પડશે, પ્લીઝ, ના ના પાડીશ…’ આટલું કહેતાંની સાથે જ ધ્વનિ રડી પડી. ગુસ્સાવાળો ચહેરો અચાનક પીગળી ગયો. એણે આંસુ લુછ્યા કહ્યું, ‘હુ તારી જોડે રહીશ તો જ ખુશ રહીશ. હવે મને સમજાઇ ગયું છે કે હું તારા વગર નહીં રહી શકું. અરમાન મારા પર એક વાર વધુ મહેરબાની કર પ્લીઝ…. મને અપનાવી લે….નથી જોઇતી મારે વિદેશની ખુશી…’
પણ જાણે કશીય ખબર ના હોય એમ અરમાન નિરુત્તર ઉભો જ રહ્યો પરંતુ પાસે ઉભેલી મહેક સમજી ગઈ એનો શું જવાબ હશે. સાથે એના મનમાં એ પરિસ્થિતિને અનુરૂપ એક કવિતા રટાઈ રહી હતી :
‘કીસી પથ્થર મે મુરત હે, કોઇ પથ્થર કી મુરત હે,
જમાના કુછ ભી સમજેગા મગર મુજે અપની ખબર હે,
મુઝે તેરી જરૂરત હૈ, તુઝે મેરી જરુરત હે’..

==========================================================================

એક સત્ય ઘટના પર આધારિત આજની યુવા પેઢીને ઘણું શીખવી જાય તેવી હૃદયંગમ કહાની!
પ્રેમ વચ્ચે જયારે પ્રારબ્ધ આવે ત્યારે નાશીપાશ ના થાય તે સાચો પ્રેમી!
===============================================
તીર્થકર ત્રિવેદી અને કાંક્ષી કોઠારી. બંનેની ઉંમર સોળ વર્ષની. અગિયારમા ધોરણમાં સાથે ભણે. એક જ વર્ગમાં પહેલા ધોરણથી અગિયારમા ધોરણ સુધી સાથે ભણતાં-ભણતાં આ બંને ટીનેજર્સ પ્રેમનો પાઠ પણ ભણી ગયાં. સોળ વર્ષની ઉંમરે વાહન ચલાવવાનું લાઇસન્સ ન મળે, પણ પ્રેમમાં પડવા માટે કોઇ લાઇસન્સની જરૂર નથી પડતી. મતાધિકાર માટે અઢાર વર્ષની ઉંમર ફરજિયાત, પણ પ્રેમાધિકાર માટે દરેક વય મરજિયાત.
તીર્થકર સોળ વર્ષની ઉંમરે પણ ‘ડેશિંગ’ લાગતો હતો. રોજ જિમમાં જઇને બે કલાક લગી પરસેવો પાડતો હતો. મા-બાપે આપેલું વ્યક્તિત્વ હતું અને જિમે તરાસેલા સ્નાયુના ગઠ્ઠા હતા. શાળાની તમામ રમતોમાં એ અગ્રેસર હતો. હોકીની ટીમનો એ સેન્ટર ફોરવર્ડ હતો, ક્રિકેટ ટીમનો ઓપનર હતો અને ફૂટબોલમાં એ ગોલકીપર હતો. ભણવામાં પણ તેજસ્વી હતો, પણ જરાક કમનસીબ હતો. ગમે તેટલી મહેનત કરે પણ દરેક વરસે એનો નંબર બીજો જ આવતો હતો.
જેનો પ્રથમ નંબર આવતો હતો, તે કાંક્ષી હતી. મોગરાની કળી જેવી ગોરી, નાગરવેલ જેવી નમણી અને તેજાબ જેવી તેજ. આખી સ્કૂલમાં એ બંનેનાં નામની ચર્ચાઓ ચાલતી હતી. એમનું એકબીજાના પ્રેમમાં પડવું સહજ હતું, શિક્ષકોને મન પણ સ્વાભાવિક હતું, મિત્રોને મન અનિવાર્ય હતું અને પ્રેમની પરંપરા અનુસાર ફરજિયાત હતું. પ્રેમની અભિવ્યક્તિની પહેલ તીર્થકર દ્વારા જ કરવામાં આવી. તેણે કોઇ જાતના ભાષાનાં ઘરેણાં વાપર્યાં વગર કિશોર સહજ શબ્દોમાં કહી દીધું, ‘કાંક્ષી, તું મને ગમે છે.’
‘જાણું છું.’ મોગરાની કળી પહેલાં મુસ્કુરાઇ અને પછી શરમાઇ ગઇ, ‘તું પણ મને ગમે છે.’તીર્થકરે તરત જ ઉધડો લીધો, ‘ત્યારે રાહ કોની જોતી હતી?’ ‘તું પહેલ કરે તેની. પુરુષ તું છો કે હું?’ મોગરાની કળી જ્યારે બોલતી હતી રે મધપૂડો બની જતી હતી. તીર્થકર હવે ખરા અર્થમાં પુરુષ બની ગયો, મહત્ત્વનો પ્રશ્ન પૂછી રહ્યો: ‘તો આપણો પ્રેમ પાક્કો ને?’ જાણે ફિલ્મી ભાષામાં પૂછતો ન હોય કે ‘તો મૈં યહ રિશ્તા પક્કા સમજું?’ કાંક્ષી પણ હવે સાચા અર્થમાં સ્ત્રી બની ગઇ. ભારતીય નારીના સંસ્કારો આત્મસાત્ કરીને એણે પુખ્ત યુવતી જેવો પ્રશ્ન પૂછી લીધો, ‘હા, પણ એક શરત છે મારી.’
‘માથું ઉતારી આપું?’ તીર્થકર ગંભીર હતો. ‘ના રે, પછી હું કોની સાથે લગ્ન કરીશ? તારા ધડ સાથે?’ ‘ધડ સાથે લગ્ન ભલે ન કરી શકે, કાંક્ષી પણ મારા ધડ સાથે ચિતા પર ચડીને તું સતી તો જરૂર થઇ શકે.’ ‘સતી થઇને ચિતામાં બળી મરવાના દિવસો ગયા, ર્તીથ પણ એટલું વચન આપું છું કે જો આપણે જીવીશું તો એકબીજાના સંગાથમાં, અને જો કોઇ એકનું મૃત્યુ થાય તો પણ બીજું પાત્ર જીવી જશે પ્રેમની યાદમાં. કબૂલ છે?’ ‘કબૂલ છે.’
‘પણ એના માટે સૌથી પહેલું કામ તો લગ્ન કરવાનું આવે છે. ર્તીથ, હું બીજી છોકરીઓ જેવી નથી. પ્રેમ એ મારે મન ટાઇમ પાસ કરવાની રમત નથી, પણ જીવવા-મરવાની મમત છે. મને વચન આપ કે આગળ જતાં તું મારી સાથે લગ્ન પણ કરીશ. તો જ આપણે આ સંબંધમાં આગળ વધીએ.’ તીર્થકર પ્રેમની બાબતે પૂરેપૂરો ‘સિન્સિઅર’ હતો તે
વાત એણે એ જ દિવસે પુરવાર કરી દીધી. શાળામાંથી છૂટીને ઘરે ગયો. રાતે ડિનરના ટેબલ ઉપર પપ્પા, મમ્મી અને નાની બહેન હાજર હતાં, ત્યાં જ એણે વાત કાઢી. કહી દીધું, ‘હું અને કાંક્ષી પ્રેમમાં છીએ. અમે અત્યારે કોઇ જ પ્રકારની આછકલાઇ નથી કરવાનાં. શબ્દોથી આગળ અમારો સંબંધ વધારવાના નથી. ભવિષ્યમાં હું જો લગ્ન કરીશ તો એની સાથે. તમારે સંમતિ આપવી મરજિયાત છે, પણ જો ના પાડશો તો મારું કુંવારા રહેવું ફરજિયાત છે. અને બીજી વાત, અમે કોઇ જ છાનગપતિયાં નથી કરી રહ્યાં. જે વાત હું અત્યારે તમારી સમક્ષ કહી રહ્યો છું, એ જ વાત એ જ શબ્દોમાં કાંક્ષી એનાં પપ્પા-મમ્મીને કહેતી હશે.’
ઘરમાં સન્નાટો પ્રસરી ગયો. એક ઘરમાં નહીં, બબ્બે ઘરમાં. આવડા અમથા અંગૂઠા જેવડાં બાળકો મા-બાપે એમની ઉપર કેટલી બધી આશાઓ સેવેલી હોય તીર્થકરના પપ્પા એને એન્જિનિયર બનાવવા ઇચ્છતા હતા, કાંક્ષીના પપ્પાની ઇચ્છા દીકરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવાની હતી. આ ‘લવ ગેમ’માં તો બેઉંને પાંત્રીસ ટકાનાયે સાંસા પડી જવાના હતા.
તીર્થકરના પપ્પા તનસુખભાઇ કાંક્ષીના પપ્પા કંચનરાયને મળ્યા. પહેલા આક્રોશ ઠાલવ્યો, પછી ઠંડા દિમાગથી કામ લીધું. ઘણું હકારાત્મક લાગ્યું. બંને પપ્પાઓ પૈસેટકે સમૃદ્ધ હતા. બંનેની જ્ઞાતિઓ ભાણે ખપે તેવી હતી. સમાજમાં એકસરખી પ્રતિષ્ઠા હતી. સૌથી મોટી વાત, છોકરો ને છોકરી બંને જાણે એકબીજા માટે જ સર્જા‍યાં હોય તેવાં હતાં ભવિષ્યમાં લગ્ન તો ગમે ત્યાં કરવાનાં જ હતાં ને? ત્યારે આવું પાત્ર દીવો લઇને તો ઠીક, પણ ગૂગલ ઉપર શોધે તોયે મળવાનું ન હતું.
‘જાવ, તમારા લવ અફેરને અમારા બધાના આર્શીવાદ છે. પણ એક વાતનું ધ્યાન રાખજો, આ લવ ક્યાંક લફરું બનીને તમારાં રિઝલ્ટ ઉપર પાણી ન ફેરવી દે. પહેલું કામ તમારી કરિયર બનાવવાનું કરજો, પછી લગ્ન તો સમય આવ્યે થવાનાં જ છે.’ બંને પક્ષો તરફથી આવી લીલી ઝંડી મળી ગઇ. એ દિવસે તીર્થકરે આખા ક્લાસને આઇસક્રીમ ખવડાવ્યો અને કાંક્ષીએ બધાને ચોકલેટ આપી. બીજા દિવસથી જાણે કંઇ જ ન બન્યું હોય તેમ બંને જણાં ભણવામાં મગ્ન થઇ ગયાં. પરીક્ષાઓ આવી અને ગઇ. બંનેનાં પેપર્સ ખૂબ સારાં ગયાં. હવે રિઝલ્ટની રાહ જોવાની હતી. વચમાં આખું વેકેશન પડયું હતું.
કાંક્ષીએ માહિ‌તી આપી, ‘ર્તીથ, હવે પછી દોઢેક મહિ‌નો આપણે મળી નહીં શકીએ. હું શિકાગો જઉં છું. ત્યાં મારાં કાકા-કાકી રહે છે. વેકેશન માણીને જ હું પાછી આવીશ. તને ખૂબ ‘મિસ’ કરીશ.’ બંને પ્રેમીઓ ખૂબ રડયાં. પછી છૂટાં પડયાં. કાંક્ષી અમેરિકા પહોંચી ગઇ. કાકાને ત્યાં પોતાની શોપ હતી. એક સાંજે કાકા શોપ બંધ કરવાની તૈયારીમાં હતા. કાંક્ષી અને એનાં કાકી પણ ત્યાં હાજર હતાં. શોપમાંથી સીધા એક સામાજિક સમારંભમાં સૌ જવાનાં હતાં. કાકા હજુ તો શટર પાડવા જતા હતા, ત્યાં જ એક કાર ધસી આવી.
અંદર હબસીઓની ટોળી બેઠી હતી.એમણે અંધાધૂંધ ગોળીબાર ચાલુ કરી દીધો. એક હબસીએ કાકાના લમણે રિવોલ્વર ધરી દીધી, ‘હેન્ડ ઓવર ધી કેશ ક્વિક’ કાકાએ તરત જ ગલ્લાની ચાવી સોંપી દીધી. લૂંટારાઓ નાણાં લઇને રફુચક્કર થઇ ગયા. કાકાની નજર હવે જ કાંક્ષી અને કાકી ઉપર પડી. બંને જમીન ઉપર સૂતેલાં હતાં. કાકાએ બૂમ પાડી, ‘એ લોકો ગયા, હવે તમે ઊભાં થઇ શકો છો.’
હવે જે બન્યું તે ભયાનક હતું. કાકી તો ઊભાં થઇ ગયાં, પણ કાંક્ષી ન થઇ શકી. તે ક્યારેય ઊભી થઇ શકવાની ન હતી. હબસીઓના ગોળીબારમાં એક ગોળી આ કિશોરીને છાતીની આરપાર વીંધી ગઇ હતી. સમાચાર જ્યારે અમદાવાદ પહોંચ્યા ત્યારે એકસાથે બબ્બે ઘરોમાં આંસુનું ચોમાસું બેઠું. સૌથી ખરાબ હાલત તીર્થકરની હતી. એણે અન્નજળનો ત્યાગ કરી દીધો. કોઇ વાતે માને જ નહીં, ‘હવે મારે જીવતા રહીને શું કરવું છે? મારે કાંક્ષીની પાછળ મરી જવું છે.’ પોતાનાં મમ્મી-પપ્પાથી ન માન્યો એ છેવટે સ્વર્ગસ્થ પ્રેમિકાના પપ્પાથી માન્યો. કંચનરાયે રીતસર બે હાથ જોડયા, ‘બેટા, અમે દીકરીને તો ગુમાવી બેઠા છીએ, હવે દીકરાને પણ…?’
તીર્થકર આજે પણ જીવી રહ્યો છે. જો એને જિંદગી કહી શકાતી હોય તો એ જીવતો છે. અત્યારે એ અમેરિકામાં છે. એન્જિનિયર થઇને એ શિકાગોમાં જ સેટલ થયો છે. બેંતાલીસ વર્ષની ઉંમરે પણ અપરિણીત છે. ધૂમ કમાય છે, શાંતિથી જીવે છે, એનાં મમ્મી-પપ્પા મથી-મથીને મરી ગયાં, ‘બેટા, લગ્ન કરી લે. તું આપણા ખાનદાનનો એક માત્ર દીકરો છે. વંશવેલો…’ ‘વંશવેલાની વાત ભૂલી જાવ, પપ્પા, તમારો વંશવેલો તો બહેન દ્વારા પણ ચાલુ રહેશે. દીકરા-દીકરીનો ભેદ હવે ક્યાં રહ્યો છે? અને મેં તો લગ્ન કરી જ લીધાં છે. ભલે મનોમન, પણ હું તો વર્ષો પહેલાં કાંક્ષી નામની સુંદર છોકરીને પરણી ચૂક્યો છું.
તીર્થકરનાં મા-બાપ વલોપાતમાં જ ચાલ્યાં ગયાં. પાછળ કરોડોની સંપત્તિ મૂકતાં ગયાં છે. તીર્થકર પોતે જ એટલું સારું કમાય છે કે એને પપ્પાના વારસાની જરૂર જ નથી રહી. એની સૌથી કીમતી દોલત તો હબસીઓની ગોળીઓએ ક્યારની હણી નાખી… તાજેતરમાં તીર્થકરના શાળાકાળના એક મિત્રે એને પૂછ્યું, ‘દોસ્ત, હવે બહુ થયું. લગ્ન કરી લે. તને શરીરની ભૂખ નથી સતાવતી?’ તીર્થકર હસી પડયો, ‘મેં કાંક્ષીને પ્રેમ કર્યો હતો, યાર, એની ચામડીને નહીં. હું ખાઉં છું, પીઉં છું, ઊંઘું છું, જાગું છું, કામ કરું છું અને કમાઉં છું.
હું એ બધું જ કરું છું જે તમે કરો છો. બસ, તમારી પાસે પત્ની છે એટલે તમે ‘એ’ પણ કરો છો. મારી પાસે મારી કાંક્ષી નથી, મને એવી કોઇ જ ભૂખ નથી સતાવતી. કોઇ માને કે ન માને પણ આ વાત સત્ય છે. જો મને કામના સતાવતી હોત તો મેં બીજાં લગ્ન કરી જ લીધાં હોત. મને કોણ રોકે છે? મારે કોઇ કહેવાતા સંત કે બાપુની જેમ દંભ કરવાની ક્યાં જરૂર છે? હું કોઇ બળાત્કારી બાપુ નથી, હું તો માત્ર એક સીધો, સાદો અને ‘સંયમી પ્રેમી’ છું.’’
(સત્ય ઘટના: આજથી લગભગ અઢી દાયકા પહેલાં અમદાવાદની એક અતિ જાણીતી શાળામાં પાંગરેલી પ્રણયકથા.)

==========================================================================

તમારો દિવસ આટલી પ્રેરણાસભર રીયલ સ્ટોરીથી શરુ થાય તો કેવું સારું !!
=================================================
“સમાજને દસ ગણું પરત કરવાની ખેવનાં”
એકવાર અચૂક વાંચજો…એક રીયલ સ્ટોરી!
આ વાત છે જુનાગઢ જિલ્લાનાં મેંદરડા ગામમાં જન્મેલ અને સંઘર્ષમય પરિસ્થિતીમાં ઉછરેલ રિમ્પલ નવનિતભાઇ નથવાણીની કે જે એક એવી દિકરી છે જેણે કઠણ અને આર્થિક રીતે કપરી જેવી સામા પુરની પરિસ્થિતી સામે સ્વમાન અને આત્મવિશ્વાસનાં તરાપા થકી પોતાનાં જીવનની એક નવીજ દિશા કંડારેલી છે.
કટલેરી અને હોઝીયારીની વસ્તુઓની રેંકડી ચલાવતા, સામાન્ય કહી શકાય તેવો વ્યવસાય કરતા નવનિતભાઇની દિકરી રિમ્પલનાં જીવનમાં આમ જોવા જઇએ તો સગવડતાનો આંકડો કદાચ એક આંગળીનાં વેઢા કરતા પણ ઓછો છે, જ્યારે અગવડતાઓ ગણવા બેસીએ તો બન્ને આંગળાનાં વેઢા પણ ઓછા પડે! નબળી આર્થિક પરિસ્થિતી, નાનું ગામ, ઓછુ ભણેલ માતા-પિતા, સમાજની મદદનાં ભાર નીચે જીવવું, જીવન સાથે વારેવારે સમાધાન કરતા રહેવું, સ્વપ્નાઓને સાર્થક કરવા કંઇ કેટલીયે વિટંબણાઓનો સામનો કરવો અને તેમ છતા આત્મબળે આગળ વધતા રહેવું.
પરંતુ રિમ્પલ કંઇક અલગ જ માટ્ટીની બનેલી છે. ખૂબજ ખર્ચાળ એવું આજનું શિક્ષણ મેળવી નાં શકાય તેવી પરિસ્થિતીમાં પણ તેણે આંતરિક હિંમતને કારણે બારમાં ધોરણ વિજ્ઞાનપ્રવાહમાં સતા્ણું ટકાનું જ્વલંત પરિણામ મેળવ્યુ છે. આ કેવી રીતે શક્ય બન્યુ? રીમ્પલ કહે છે “મારુ હંમેશથી એકજ સ્વપ્ન રહ્યુ છે કે હું એવી સફળતા મેળવીશ જેથી મારા પરિવારની જે નબળી પરિસ્થિતી છે તેને સમૂળગી બદલી શકુ.” રિમ્પલએ નિશ્ચયાત્મક રીતે ખૂબજ મહેનત કરી છે. દસમાં ધોરણમાં અઠ્યાસી ટકા મેળાવ્યા. ત્યારે તે પોરબંદરમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી. એટલે આગળ અભ્યાસ માટે રાજકોટ જવુ તેવો નિર્ણય તેના પિતરાઇ ભાઇ કલ્પિતનાં સહયોગથી લેવામાં આવ્યો, જે પ્રાથમિક શાળામાં શિક્ષક છે. આ નિર્ણય મનને તો ગમે તેવો હતો પરંતુ સહેલો નહોતો. ધોરણ અગિયાર-બારની તોતિંગ ફીનું શું કરવુ એ મહાપ્રશ્ન તો ઉભો જ હતો.
રિમ્પલનું સૌથી સબળુ પાસુ એટલે તેની ભણવા પ્રત્યેની લગન અને ઉજ્જવળ પરીણામની પરંપરા. આવા સમયે જ્યારે રાજકોટનાં સર્વોદય શૈક્ષણિક સંકુલને રિમ્પલની અભ્યાસમાં તેજસ્વિતા તેમજ તેની નબળી આર્થિક પરિસ્થિતીની જાણ થઇ ત્યારે તેનાં સંચાલક ભરતભાઇ ગાજીપરા તરફથી સંપૂર્ણ ફિ માફીનો અત્યંત જરૂરી એવો સહયોગ સાંપડ્યો. કોઇ અન્ય વ્યક્તિ હોય તે આવા સહયોગથી ખુશ થાય. અલબત, રિમ્પલને પણ ખુશી તો થઇજ પરંતુ તેની વાત ત્યા અટકતી નથી. સ્વમાનથી જીવનાર તેણીએ દ્રઢ નિર્ણય કર્યો છે કે સમાજ તરફથી તેને જે સહાય મળી છે તેનો તે યોગ્ય સમયે દસ ગણો બદલો ચૂકવશે. જ્યારે તેણી આ વાત કરે છે ત્યારે તેના ચહેરા પર સ્વમાનની રેખાઓ અંકિત થઇ જાય છે.
સામાન્ય દ્રષ્ટિએ વિચારીએ તો આપણને એવુ લાગે કે સમાજ રિમ્પલને મદદ કરી રહ્યુ છે. જો તેનાથી આગળ વધીને વિચારીએ તો ખરેખર એવુ લાગ્યા વગર રહે નહી કે સમાજ આવી રીતે રિમ્પલને સહાય કરીને તેણીને નહી પરંતુ સમાજ પોતાને જ મદદરૂપ થઇ રહ્યો છે! પ્રશ્ન થાય કે એ કેવી રીતે? તો તેનો સચોટ ઉત્તર એ છે કે રિમ્પલ જેવી અંદરથી સક્ષમ, આત્મવિશ્વાસી અને સ્વમાની દિકરી પોતા પર રહેલ સમાજનાં ઋણને કેટલાય ગણુ કરીને પરત કરવાની જે ખેવનાં ધરાવે છે તેનાં થકી તે જ્યારે આર્થિક તેમજ સામાજિક રીતે સક્ષમ થશે ત્યારે કેટલાયને તે મદદરૂપ થઇ શકશે. જ્યોતથી જ્યોત જલતી જ રહેશે.
રિમ્પલ સાથે વાત કરતી વખતે જ્યારે તેનાં પપ્પાની વાત નીકળે છે ત્યારે તેણી માટે શબ્દો જાણે પાંગળા બની જાય છે અને તેની લાગણીઓ આંખમાં આંસુ બનીને વહેવા લાગે છે. પરંતુ આ આંસુઓમાં આપણને નિ:સહાયતા કે નબળાઇનો ભાવ જરાપણ દેખાતો નથી. જાણે તેનાં આંસુનાં એક એક બુંદમાં આપણને લાગણીઓનું મહાસાગર પ્રતિબિંબિત થતુ અનુભવાય છે જે આપણને સ્પષ્ટ રીતે મહેસુસ કરાવી જાય છે કે આ દિકરીએ તેનાં આંસુઓને રોકકળનાં સાધન તરીકે નહી પરંતુ એક ચોક્કસ લક્ષ્ય માટે આત્મબળ તરીકે ઉપયોગ કરવાની નેમ લિધી છે.
જ્યારે પરિસ્થિતી અપેક્ષાઓથી વિપરીત હોય તેમજ પૂર્ણ-પ્રતિભા હોવા છતા માર્ગ વિકટ બનીને ઉભો દિસતો હોય ત્યારે વ્યક્તિ પાસે બે વિકલ્પો સામાન્યત: હોય છે. જેમાં એક સહેલો અને એક અઘરો હોય છે. સહેલો વિકલ્પ એ હોય છે કે વ્યક્તિ પોતાની નબળી પરિસ્થિતીને ઢાલ બનાવીને બીજા પાસેથી સહાનુભૂ્તિ મેળવવા માટે એક યાચક બની જતી હોય છે. સમાજ પાસે હાથ ફેલાવીને મદદ માટે કરગરતી હોય છે. સમાજ પણ આવી વ્યક્તિઓની પ્રતિભા જોઇને તેને મદદ કરવા માટે દોડી જતો હોય છે. પરંતુ આવી રીતે યાચના કરવામાં વ્યક્તિને અંદરથી એક નિ:સહાયતા તેમજ અન્યની મદદનો ભાર જાણે-અજાણે સહન કરવો પડતો હોય છે અને સ્વમાનને નેવે મુકવુ પડતુ હોય છે. જ્યારે અઘરો વિકલ્પ એ હોય છે કે સ્વમાનનાં ભોગે કંઇપણ મદદ ન સ્વિકારવાનો નિર્ધાર હોય છે. આનો અર્થ એવો પણ નથી કે તે વ્યક્તિ અભિમાની હોય છે, પરંતુ યાચનાથી હાથ લંબાવવુ તેમને મંજુર નથી હોતુ, તેથી જ તેઓ મદદ સ્વિકારતી વખતે તેનાં ઋણનો યોગ્ય સમયે ઉમેરો કરીને વાળવાનો નિશ્ચય કરતા હોય છે. નાઝીર દેખૈયાએ ખરુજ કહ્યુ છે કે:
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
સમાજએ જે રિમ્પલને યોગ્ય સમયે મદદ કરી છે તો તેણીએ પણ સમયે-સમયે પોતાનામાં રહેલ પ્રતિભાનાં દર્શન કરાવ્યા છે. આ છે સ્વમાન. તેણીએ સાબિત કરી આપ્યુ છે કે સમાજનો સહયોગ મેળવેલ છે તે તેણીએ હંમેશા વધારીને વાળ્યો છે. હવે જ્યારે તે ફોરેન્સિક સાયન્સ જેવા એક અલગ જ ક્ષેત્રમાં અભ્યાસ કરવા જઇ રહી છે ત્યારે તેણીની આંખમાં કેટકેટલાય પ્રતિબંબો આપણને દેખાય છે. સંઘર્ષમય જીવન વેઠીને પણ પોતાને ભણાવનાર પિતાને એક સારુ જીવન આપવા પોતાનાથી થઇ શકતા તમામ પ્રયત્નો કરી જવા.
સક્ષમ સ્થાને પહોંચ્યા બાદ સમાજનું ઋણ દસ ગણુ કરીને પરત આપવું, સ્વમાનથી પણ મદદ સ્વિકારી શકાય છે તે બાબતને પ્રસ્થાપિત કરવી અને તેના જેવી કેટલીય દિકરીઓ માટે એક ઉદાહરણરૂપ વ્યક્તિ બનવું. રિમ્પલ તેનાં જીવનમાં સમયે-સમયે મદદે આવેલ દરેક વ્યક્તિને યાદ કરે છે તેમાં મોખરે તેનાં પિતા અને પરિવાર તેમજ તેના શિક્ષકોનો અંત:કરણપૂર્વક શબ્દોથી નહી પણ લાગણીથી આભાર માનતી ગળગળી થઇ જાય છે અને વિશ્વાસ અપાવે છે કે તેણીએ મેળવેલ સહયોગને કંઇ કેટલોય ગણો કરીને પરત કરશે જે તે હંમેશથી તેની પ્રતિભા દ્રારા કરતી આવી છે.

Advertisements